એક યુવાનના દૃઢ નિર્ધારે ગંદકીભર્યા વિસ્તારની કાયાપલટ કરી

શહેર અમદાવાદ. વિસ્તાર સાબરમતી. અહીંની રામનગર શાક માર્કેટની પાસે ગંદકીના ઢગ થાય. શાક માર્કેટમાં લારી-ગલ્લા ચલાવતા ફેરીયાઓ પણ ગંદકીથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા.

ત્યાં આસપાસ રહેતા લોકો પણ મૂકનજરે ગંદકી જોઈને બળાપો કાઢતા. માર્કેટ પાસે હેમન્તભાઈ નામનો એક યુવાન રહે. વર્ષો સુધી કેનેડામાં વસવાટ કરીને ભારત પરત આવેલો આ યુવાન ઝુંડાલની એક કૉલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તેનું ઘર આ માર્કેટની બરાબર અડીને આવેલું છે. તેના ઘરની સામે જ આખા રામનગરનો કચરો ઠલવાય. ક્યારેક તો કેટલીક હૉસ્પિટલોનો તબીબી કચરો પણ કોઈ નાખી જાય. આવી પરિસ્થિતિમાં ત્યાં રહેવું સૌના માટે ભારે થઈ પડ્યું હતું. જોકે, ભાઈ હેમન્તથી આ પરિસ્થિતિ જોવાઈ નહીં. કેનેડાની સ્વચ્છતા પ્રત્યેની દૃઢતા વગેરે તેમનામાં રોપાયેલી હતી. તેમણે પોતાના ઘરની સામેનો ઉકરડો દૂર થાય તે માટે જે-તે સરકારી અધિકારીઓને મળવાનું શરૂ કર્યું. મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેટરોને મળીને રામનગર શાક માર્કેટમાં થતી ગંદકી અટકાવવાની રજૂઆત કરી.
હેમન્તભાઈ અને તેમના કેટલાક ડૉક્ટર મિત્રોની મહેનત રંગ લાવી. તે વખતના કર્મનીષ્ઠ મ્યુનિસિપલ અધિકારીએ તેમની વાત ધ્યાનથી સાંભળી. મ્યુનિસિપાલિટીની મદદથી શાક માર્કેટનો કચરો અને ગંદકી દૂર કરવાનું અભિયાન શરૂ થયું. એમાં સૌથી આગળ હતા હેમન્તભાઈ. તેમની સાથે આખા શાક માર્કેટના લારી-ગલ્લાવાળા તથા ડૉક્ટર મિત્રો પણ જોડાયા. સૌએ સાથે મળીને આખા વિસ્તારને સાફ કરવાની જવાબદારી ઉઠાવી. હેમન્તભાઈ આટલેથી અટક્યા નહીં. તેમણે ફરી વાર આ જ જગ્યાએ ગંદકી ન થાય તે માટે એક યુક્તિ વિચારી. તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેટલાક દાતાઓ તથા ડૉક્ટર મિત્રોનો સંપર્ક સાધીને ગંદકીવાળી જગ્યાએ સુંદર બગીચો અને જાહેર શૌચાલય ઊભું કર્યું. એટલું ઓછું હોય તેમ, ગરીબ-અમીર સૌએ સાથે મળીને બગીચામાં રોપા ઉછેરનું કામ કર્યું. સૌની સામૂહિક મહેનત રંગ લાવી. આજે રામનગરના શાક માર્કેટના છેવાડે 'સાંઈ ગાર્ડન' નામનો આ બગીચો છે અને બાળકો તેમાં મોજ કરે છે.
જો હેમન્તભાઈ જેવા જાગૃત નાગરિકો ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવાનો દૃઢ સંકલ્પ કરે તો આપણા અમદાવાદ શહેરની શેરીઓ, રસ્તાઓ અને આખું શહેર સ્વસ્થ અને સ્વચ્છ બને.

ચરખા સમાચાર સેવા