પ્રયાસોની નોંધ લેવાથી ગ્રામજનોનો ઉત્સાહ બેવડાયો

- ક્રિષ્ના કેશવાણી, 'સહજીવન' સંસ્થા, ભુજ-કચ્છ
આપણે આપણી વિચારધારાનો ગ્રામીણ સ્તરે પ્રસાર કરવાનાં કાર્યો કરીએ છીએ. આ કાર્યોને લેખિત સ્વરૂપ આપવાથી પ્રસારના કામને વેગ મળે છે એવું મારા અનુભવે મને લાગે છે.

અમે ઘણાં ગામોની સાથે પીવાનાં પાણીના સ્વાવલંબન માટે કામ કરી રહ્યા છીએ. એ ગામોમાં જે હકારાત્મક પરિણામો મળ્યાં તેના વિશે અમે આલેખન કર્યું તેથી એ ગામોના લોકોને ખૂબ પ્રોત્સાહન મળ્યું. એમના પરિશ્રમ અને પ્રયાસોની નોંધ લેવાઈ તેથી કાર્યો કરવાનો તેમનો ઉત્સાહ બેવડાયો. એમનાં કાર્યોની પ્રસિદ્ધિ થવાથી તેઓ પોતાની જવાબદારીઓ પ્રત્યે સજાગ બન્યા. વળી, બીજાં ગામો પણ એમનામાંથી પ્રેરણા મેળવતાં થયાં.
મારા વ્યક્તિગત વિકાસમાં પણ લેખનની મહત્ત્વની ભૂમિકા છે. લેખન-કલા ન હોવાથી શરૂઆતમાં હું જરૂર મૂંઝાતી, પણ પછી થોડુંક માર્ગદર્શન મળવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. સમયાંતરે લખતાં રહેવાના મહાવરાએ મારી લખવાની ક્ષમતામાં વધારો કર્યો. આજે હું મારી સંસ્થાને દસ્તાવેજીકરણનાં કામોમાં મદદરૂપ થઈ શકું છું એનો મને આનંદ અને આત્મસંતોષ છે. હવે હું લખતાં રહેવાની મારી આદત ક્યારેય નહીં છોડું.