અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે લખાણ

- ઉત્કંઠા ધોળકિયા, 'કચ્છ મહિલા વિકાસ સંગઠન', ભુજ-કચ્છ
લખાણ એ અભિવ્યક્તિનું બહુ સબળ માધ્યમ છે. એની સાબિતી મને 'ચરખા'ના સંપર્કથી મળી ગઈ. એટલું જ નહીં, તેનો જાતઅનુભવ પણ થયો.

લેખનના માધ્યમથી સમાજનાં કેટલાંય એવાં પાસાંઓ મારી સામે આવ્યાં, જેના માટે મેં ક્યારેય વિચાર્યું નહોતું. જેને સમાજ મોટા ભાગે ગામડિયા કે અભણ ગણીને અવગણે છે, તેઓ એ જ સમાજની ભલાઈ માટે કેટકેટલું કરે છે. આવા લોકોને મળીને શબ્દોના માધ્યમથી તેમની વાત સમાજ સુધી પહોંચાડવાની મને લેખન દ્વારા તક મળી. લખવાથી મારી સજ્જતા પણ વધી. અખબારી લખાણમાં ભાષાનો ઉપયોગ કરતાં આવડ્યું. કયા શબ્દનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તેની સમજ મળી. પરિણામે, લખાણ અસરકારક અને ધારદાર બની શક્યું. લખાણ એ કાયમી દસ્તાવેજ છે. કાર્યક્ષેત્રમાં આવતાં પરિવર્તનો એનાથી ચકાસી શકાય છે. વળી, નવાં પરિવર્તન માટે તૈયારી કરી શકાય છે.