આલેખનથી વિકાસનાં કામોને વેગ મળે

- પી. બી. વિહોલ, 'બાયફ', ચીખલી, નવસારી
'ચરખા'માં લેખનકાર્યની તાલીમ લીધા પછી લખવાનું કામ સહેલું લાગવા લાગ્યું. પહેલાં લખવામાં રસ પડતો નહોતો, પણ હવે ખૂબ રસપૂર્વક લખું છું.

હું જેમ જેમ લેખનકાર્ય કરતો ગયો તેમ તેમ મારામાં આત્મવિશ્વાસ વધતો ગયો. મારી લેખન કળા વિકસી હોવાથી મારી સંસ્થામાં પણ સફળ ગાથાઓ, પ્રેસનોટ અને વાર્ષિક અહેવાલ લખવાની જવાબદારી મારી ઉપર આવી છે. તેમ છતાં, એ જવાબદારી મને ક્યારેય બોજરૂપ લાગતી નથી.
મારી સંસ્થા દ્વારા એક વાર કેસ-સ્ટડી આલેખન અંગેની સ્પર્ધા રાખવામાં આવી હતી. એ સ્પર્ધામાં મેં પણ ઝંપલાવ્યું હતું. મને કહેતાં આનંદ થાય છે કે, એ સ્પર્ધામાં મેં લખેલી કેસ-સ્ટડીને શ્રેષ્ઠ કેસ-સ્ટડીનો ઍવૉર્ડ એનાયત થયો હતો. હાલમાં હું બીજી સંસ્થામાં પણ લેખનની તાલીમ આપું છું. 'ચરખા'ના પ્રયત્નથી મને જે પ્રોત્સાહન મળ્યું તેના કારણે જ લખવાની મારી ક્ષમતા અને આત્મવિશ્વાસ વધ્યાં. મને લાગે છે કે, વિકાસલક્ષી કાર્યકર જો પોતાના અનુભવોનું આલેખન કરે તો વિકાસનાં કામોને ઘણો વેગ મળે.