લેખનથી પોતાના વિચારોમાં આવેલું પરિવર્તન માપી શકાય

- પ્રાચી મહેતા, મિડિયા સેલ, 'કચ્છ મહિલા વિકાસ સંગઠન', ભુજ-કચ્છ
માણસને પહેલાં વિચારો આવે છે. ત્યાર બાદ અભિવ્યક્ત કરે છે. આ અભિવ્યક્તિ ત્રણ રીતે થાય છે: વાણી, લેખન અને હાવભાવથી. વ્યક્તિને ઘણા બધા વિચારો આવતા હોય છે. તેમાં યોગ્ય-અયોગ્ય વિચારો હોઈ શકે.

એક વખત વાણીથી વ્યક્ત થયેલા વિચારો પાછા ફરી શકતા નથી, પરંતુ લેખન દ્વારા થયેલી અભિવ્યક્તિ આવેગપૂર્ણ અવસ્થામાં થઈ હોય તો પણ તેનાં સારાં-નરસાં પરિણામો વિશે વિચારવાની તક લખનાર પાસે હોય છે. તેથી જ સતત લેખન કરતા રહેવાથી વ્યક્તિના વિચારોમાં તર્કબદ્ધતા, શાણપણ અને પરિણામોની સભાનતાનો ખ્યાલ વિકસે છે. એ રીતે વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ વિકાસશીલ બને છે. તેથી જ એક સામાજિક કાર્યકર્તા માટે લખતાં રહેવું ખૂબ જરૂરી છે.
લેખન દ્વારા વ્યક્તિની સમજનાં દ્વાર ખૂલે છે. પોતાનાં અલગ-અલગ સમયે લખાયેલાં લખાણોની સરખામણી કરીને પોતાના વિચારોમાં કેટલું પરિવર્તન આવ્યું તે પણ માપી શકાય છે. મેં જ્યારથી લેખનકાર્ય શરૂ કર્યું છે ત્યારથી મારા વ્યક્તિગત જીવનમાં તેમ જ કાર્યોમાં કેવાં પરિણામો આવી શકે તે જોતાં શીખી છું.