ભણતર એ જીવતરની પાંખ અને લેખન એ જીવનની ઉડાન

-હરેશ પરમાર, ઉજાસ રેડિયો રિપોર્ટર, 'કચ્છ મહિલા વિકાસ સંગઠન', ભુજ-કચ્છ
જ્યારે છાપાંઓ કે ચોપડીઓમાં લેખ વાંચતી વખતે મારું ધ્યાન લેખકના નામ ઉપર જતું હતું તે વખતે મને પણ થતું કે મારું પણ નામ એક લેખક તરીકે આવે તો? મારી આ કલ્પના એક હકીકત બની ગઈ, જ્યારે મારો પણ લેખ છપાયો. આ તો લેખ લખવાનો સીધો ફાયદો છે.
સિવાય પણ લેખનથી મારા જીવનમાં ઘણો ફરક પડ્યો છે. ખાસ કરીને મારી સામાજિક કાર્યકર તરીકેની કારકિર્દીમાં, મારા વિચારો અને મારા કામમાં ચોકસાઈ આવી છે. લખવાથી એક વ્યક્તિ તરીકે પણ ફાયદા થાય છે અને મને થયા છે. એટલે જેમ ભણતર એ જીવતરની પાંખ છે એમ લેખન એ જીવનની ઉડાન છે. સામાજિક વિકાસના ક્ષેત્રમાં કામ કરતાં આપણે સૌ દરરોજ એક જેવા દેખાતા છતાં અલગ પડતા અનુભવોમાંથી પસાર થઈએ છીએ. જેમ હીરાને તરાસીને તેની ચારે બાજુને આકાર આપવામાં આવતાં તે શોભી ઊઠે છે એ જ રીતે એકસરખી દેખાતી, પણ અલગ-અલગ રીતે અનુભવાતી ઘટનાઓ વિશે આલેખન થાય તો લેખકને, વાચકને અને સમાજને વિવિધ પાસાંની જાણકારી મળે છે.