સંસ્થાકીય અને વ્યક્તિગત એમ બે સ્તરે થયા ફાયદા

-ફાલ્ગુની લોખિલ, 'કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ', અમદાવાદ
લખવાથી સંસ્થાકીય અને વ્યક્તિગત એમ બે સ્તરે મને ફાયદા થયા. સંસ્થાની કામગીરી વિશે અને કામના કારણે આવેલા બદલાવ વિશે આલેખન કરવાથી સંસ્થાની આગવી છબી ઊભી થઈ. લોકો સંસ્થાને ઓળખતા થયા.

સંસ્થાની કામગીરી વિશે છાપાંમાં લેખ આવે ત્યારે કાર્યકરોમાં કામ કરવાનો ઉત્સાહ વધતો હોય છે. એથી સંસ્થાના બીજા કાર્યકરોને પણ લખવાની પ્રેરણા મળી. વ્યક્તિગત સ્તરે ખૂબ ફાયદો થયો. લખવાથી દૃષ્ટિકોણ વિકસે છે. વિચારો સ્પષ્ટ થાય અને નવા વિચારો આવે છે. કામના પરિણામ વિશે લખીએ ત્યારે કામ કર્યાનો સંતોષ મળે છે. સમાજમાં બદલાવ લાવવામાં અને ગામલોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં નિમિત્ત બન્યાનો અહેસાસ થાય છે. લખીએ ત્યારે કામનું વિહંગાવલોકન કરવાની તક મળે છે. વ્યક્તિગત રીતે આપણી એક આગવી છાપ પણ ઊભી થાય છે. ભાષા-કૌશલ્ય વિકસે છે. વળી, મર્યાદિત શબ્દોમાં અસરકારક રજૂઆત કરવાની કળા પણ હસ્તગત થાય છે.
આ કલા રોજબરોજના કામમાં પણ ઉપયોગી થાય છે. ગામની બહેનોને તેમણે કરેલી કામગીરી વિશે છપાયેલું લખાણ વાંચી સંભળાવીએ ત્યારે તેમને પણ ખૂબ આનંદ થાય છે. મંડળોની મિટિંગમાં વાંચી સંભળાવીએ ત્યારે બહેનોનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે એવો મારો અનુભવ છે. એનો અર્થ એ કે વિકાસલક્ષી પ્રયાસો વિશે લખવાથી વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે. એટલે જ આપણે કલમ ઉપાડવી રહી.