ઝાકળ

નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી; ગબડ્યા પછી, ત્યાં પડ્યા રહેવામાં છે.


બધો આધાર ઇશ્વર પર હોય
તેમ પ્રાર્થના કરીએ,
બધો આધાર આપણા પર હોય
તેમ કામ કરીએ.

હજી આપણે બાળકોને વસવા માટે યોગ્ય એવી દુનિયાનું નિર્માણ કરી શક્યાં નથી.
- ગુણવંત શાહ
વિચાર કરવાની કળા એટલે
ખરી કેળવણી.
- ગાંધીજી

જેને પોતાની આંતરિક સંપદાનું જ્ઞાન નથી તે દરિદ્ર છે.
જેને પોતાના પર ભરોસો નથી તે નિર્બળ છે.
- સ્વામી વિવેકાનંદ

પ્રકૃતિ સુંદરતાથી સભર છે. ધરતી, વૃક્ષો, નદી, પક્ષીઓ, આકાશ, તારાનું સૌંદર્ય તમારા જીવનને આનંદથી ભરી દેવા માટે તમારી રાહ જોઈને બેઠું છે. પછી રાહ શેની જુઓ છો?
નીકળી પડો.
- ‘આપણું સ્વાસ્થ્ય’માંથી

સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતાં રહેવું, એ દરેક સંસ્કારી સ્ત્રી-પુરુષનો આજીવન છંદ બની રહો!
- પુરુષોત્તમ ગ. માવળંકર

કોઈને ‘‘માફ કરજો’’ કહો, ત્યારે સામા માણસની સાથે આંખ મેળવીને એ ઉચ્ચારજો.

આપણા વર્તનમાં સભ્યતા હોય, આપણામાં પ્રામાણિકતા હોય, આપણા હિસાબ-કિતાબમાં ચોખ્ખાઈ હોય...
આ બધા કાંઈ સંત-મહાત્માના જ ગુણો નથી, પણ સામાન્ય નાગરિકના ગુણ છે.
- જયપ્રકાશ નારાયણ

પ્રાંત-નિર્માણ થઈ ગયું, રાષ્ટ્ર-નિર્માણ થઈ ગયું, પરંતુ હજી ગ્રામ-નિર્માણ થયું નથી !
આ અજબ વાત છે. મકાનના બીજાત્રીજા મજલા બની ચૂક્યા છે, પરંતુ નીચેનું ભોંયતળિયું નથી બન્યું !
- વિનોબા ભાવે

કોણ સાચું છે તે નહીં,
પણ શું સાચું છે તે વાત મહત્ત્વની હોય છે.