લખવાની કળાને કારણે મારી કામગીરીને ચાર ચાંદ લાગ્યા

- સુરેશ પ્રજાપતિ, 'આકાર ચેરિટેબલ ટ્રસ્ટ', અમદાવાદ
'પ્લીઝ, અમને તમે ફિલ્ડનું ગમે તેટલું કામ આપો, પણ રિપોર્ટ લખવાનું ના કહેશો!'. ગ્રાસરૂટ વર્કર તરીકે મોટે ભાગે મારો પણ આવો જ ખ્યાલ હતો.

અમારી સંસ્થામાં 'ચરખા' દ્વારા જ્યારે તાલીમનું આયોજન થયું ત્યારે આ પ્રકારની તાલીમમાં કોઈ જવા માટે તૈયાર નહોતું. એટલે ના છૂટકે મને મોકલવામાં આવ્યો. જોકે, મને લખવું ખૂબ ગમતું હતું, પણ અસરકારક રીતે લખવા વિશેનું મારું જ્ઞાન ખૂબ જ મર્યાદિત હતું. હું ખેતીવિજ્ઞાનમાં સ્નાતક થયો હતો એટલે ભાષાને ખૂબ જ ઓછું મહત્ત્વ આપવામાં આવતું હતું. મને 'ચરખા' દ્વારા યોજાયેલી તાલીમ દ્વારા પદ્ધતિસરના લખાણનું માર્ગદર્શન મળ્યું.

હું આજે એમ કહી શકું કે મારી ઓળખ ઊભી કરવામાં મારી લખવાની આ રુચિ વધારે ઉપયોગી નીવડી છે. બે પુસ્તકોનું લેખન અને એક સંપાદન એમ મળીને મારાં કુલ ત્રણ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થયાં છે, અને બે નવાં આવી રહ્યાં છે, તેનો પાયો પણ આવી તાલીમે જ ભજવ્યો છે. મેં વ્યવસાય તરીકે જ્યારે તાલીમને અપનાવી ત્યારે મારા લખાણને કારણે મારી આ કામગીરીને પણ વેગ મળ્યો. મારું એક પુસ્તક 'આપણે આપણાં બાળકોની નજરે'ને એટલો સારો પ્રતિભાવ મળ્યો છે કે અઠવાડિયામાં તે પુસ્તક પ્રગટ કરવા બદલ અભિનંદન આપતો એક પણ ફોન ન આવ્યો હોય તેવું બન્યું નથી.

સુરતના એક હીરાના મોટા વેપારીએ આ પુસ્તિકાની 20,000 નકલ બનાવી તેમના સ્નેહીજનોને વહેંચી, જેની પ્રસ્તાવના સ્વામી સચ્ચિદાનંદે લખી. મારા પ્રથમ પુસ્તકને આટલો સારો આવકાર મળે આનાથી વિશેષ મારા માટે શું હોઈ શકે? હું આ એટલા માટે લખી રહ્યો છું કે, મને ખુદને ખબર નહોતી કે હું એક લેખક બની શકું છું, પણ 'ચરખા' દ્વારા યોજાયેલી તાલીમથી મારી અંદરનો એક લેખક બેઠો થયો. કાર્યકર્તાઓ પાસે એટલા બધા અનુભવો છે કે જો તે લખે તો તેમની દરેક કહાની એક જીવતી વાર્તા હોય છે, જે તમારા હૃદયને ભીંજવ્યા વગર ન રહે! પણ શરૂઆત કરવી એ મહત્ત્વનું છે. ટૂંકમાં, મારા વ્યક્તિગત અનુભવને આધારે કહું તો મારી આ લખવાની કળાને કારણે મારી કામગીરીને ચાર ચાંદ લાગ્યા છે.