બાંધકામ મજૂરો માટે કામના પુરાવાની જરૂર નહીં રહે

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમજીવીઓની શ્રમયોગી કલ્યાણ બૉર્ડમાં નોંધણી થતાની સાથે જ તેમને લાભ મળવાના શરૂ થશે. અગાઉ 90 દિવસ કામ કર્યુ હોવાના પુરાવા રજૂ કરવા પડતા હતા.

આ પુરાવા મેળવવા માટે શ્રમજીવીઓને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી તે હવે દૂર કરાઈ છે. આ સુધારાથી મજૂરોને શિક્ષણ સહાય, પ્રસૂતિ સહાય, આકસ્મિક મૃત્યુ, અંત્યેષ્ઠિ, તબીબી સહાય, મકાન બાંધવા અને ખરીદવા તથા કૌશલ્ય તાલીમ માટે પણ સહાય મળી શકશે. શ્રમ-રોજગાર મંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યું છે કે હવે શ્રમયોગી માટે માત્ર બાંધકામ યુનિયનના હોદ્દેદાર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, શ્રમ અધિકારી, મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર પણ માન્ય રખાશે. ઉંમરના પુરાવા તરીકે બૉર્ડ - યુનિવર્સિટીનું પ્રમાણપત્ર કે માર્કશીટ, રેશનિંગ કાર્ડ, ડ્રાઈવીંગ લાઇસન્સ કે મેડિકલ ઑફિસર-સર્જનનું પ્રમાણપત્ર પણ માન્ય રખાશે.

સાભારઃ
દિવ્ય ભાસ્કર દૈનિક, 22-8-2008)