માનવતાનો મારગ


ગુજરાતમાં વર્ષ 2002 દરમ્યાન હિંસાની આગ વચ્ચે પણ અનેક વિસ્તારમાં શાંતિની મશાલ પ્રજ્વલિત રહી હતી. ગુજરાતનાં અનેક ગામોએ સદભાવના અને શાંતિનો વારસો જાળવી રાખ્યો હતો. શાંતિપથના આ પથિકોએ પોતાના ગામ કે વિસ્તારમાં શાંતિ કાયમ રાખવા માટે અપનાવેલી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનું દસ્તાવેજીકરણ કરવાનો અમે દૃઢ નિશ્ચય કર્યો હતો. એના પરિણામ સ્વરૂપે આ પુસ્તક આપની સમક્ષ રજૂ કરતાં આનંદ અનુભવીએ છીએ.

પુસ્તકને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. 'ચરખા' દ્વારા યોજાયેલી લેખન-સ્પર્ધામાં સામાજિક કાર્યકરોએ પોતાના વિસ્તારમાં થયેલા કોમી એખલાસના દૃષ્ટાંતરૂપ પ્રયાસો વિશે લેખો લખીને મોકલ્યા હતા. તે લેખોમાંથી દૃષ્ટાંતો, પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ દર્શાવતા 39 લેખો ચૂંટવામાં આવ્યા છે. તેમાં ગુજરાતના 14 જિલ્લાના સદભાવનાના દૃષ્ટાંતરૂપ પ્રયાસોનો ઉલ્લેખ થયો છે. તે પ્રસ્તુત પુસ્તકના પ્રથમ વિભાગમાં મૂકવામાં આવ્યા છે. 

ગુજરાતમાં કોમી એખલાસ અને સદભાવના જાળવી રાખવા માટે થયેલા દૃષ્ટાંતરૂપ લોકપ્રયાસો વિશે 'ચરખા' અને અન્ય સંસ્થાઓના કાર્યકરો દ્વારા લખાયેલા 7 લેખો બીજા વિભાગમાં રજૂ કરવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં રજૂ થયેલા પ્રથમ પાંચ લેખો, લેખન-સ્પર્ધાની પ્રથમ પાંચ વિજેતા કૃતિઓ છે.

આગા ખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ(ભારત) અને ઉન્નતિ-વિકાસ શિક્ષણ સંસ્થાની મદદથી આ પુસ્તકનું પ્રકાશન શક્ય બન્યું છે. લેખન-સ્પર્ધા માટે ખૂબ ખંત અને મહેનતથી લેખો તૈયાર કરીને મોકલી આપનારા તમામ સામાજિક કાર્યકરોના અમે ખૂબ આભારી છીએ. તેમના લેખોથી જ આ દસ્તાવેજ પ્રગટ થઈ શક્યો છે.


પ્રકાશકઃ ચરખા, સહયોગઃ ઉન્નતિ અને એકેઆરએસપી(આઈ)