વિકાસ-ગોષ્ઠિ


ચરખા દ્વારા પ્રાદેશિક વિકાસલક્ષી મુદ્દાઓ વિશે દર મહિને એક વાર પત્રકારો સાથે વિકાસ-ગોષ્ઠિ યોજાય છે. પત્રકારો, સામાજિક કાર્યકરો અને આમ નાગરિકો વચ્ચે વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો અંગે સંવાદ રચાય એ એનો હેતુ છે.

ગુજરાતમાં દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો, માસિકો અને ત્રિમાસિકો મળીને એક હજારથી વધુ અખબારો અને સામયિકો પ્રકાશિત થાય છે. મુખ્યત્વે આ પત્રોમાં રાજકારણ, ગુનાખોરી, રમત-જગત, ફિલ્મ વગેરે વિષયોના જ સમાચારો છવાયેલા રહે છે. ખાસ કરીને મુખ્ય પ્રવાહનાં અખબારોમાં આ પ્રકારના સમાચારો અને જાહેરખબરો વ્યાપક પ્રમાણમાં પ્રકાશિત થાય છે. આ અખબારોમાં વિકાસલક્ષી પ્રયાસો વિશેના લેખો કે સમાચારો શોધ્યા જડતા નથી. ક્યારેક કોઈ અખબારમાં એવા સમાચારોને સ્થાન આપવામાં આવે તો પણ તે ખૂબ ઓછી જગ્યામાં અને ક્યારેક તો જગ્યા ભરવાની રીતે મૂકવામાં આવેલા હોય છે.

'ચરખા'એ આ પરિસ્થિતિ બદલવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લાં દસ વર્ષમાં 'ચરખા'ના પ્રયાસોથી વિકાસલક્ષી પ્રયાસોને મુખ્યપ્રવાહોનાં અખબારોમાં ઠીક ઠીક સ્થાન પ્રાપ્ત થયું છે. સમૂહમાધ્યમોના પ્રતિનિધિઓને નિયમિત રીતે માહિતી પૂરી પાડીને તેમ જ તેમને તે વિશે લખવાનું પ્રોત્સાહન પૂરું પાડીને 'ચરખા'એ વિકાસલક્ષી મુદ્દાઓને મુખ્યપ્રવાહમાં સ્થાન અપાવ્યું છે. આવા પ્રયાસના ભાગરૂપે પત્રકારોને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર થઈ રહેલાં કામોની માહિતી નિયમિત મળતી રહે તે માટે 'ચરખા' દ્વારા અનૌપચારીક બેઠકના રૂપમાં 'વિકાસ-ગોષ્ઠિ' યોજવામાં આવે છે. આ ગોષ્ઠિની શરૂઆત 1999માં કરવામાં આવી હતી. વર્ષ દરમ્યાન અવારનવાર ગોષ્ઠિઓ યોજ્યા બાદ અમને જણાયું કે, ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મશીલો વિવિધ કાર્યક્રમો દ્વારા સતત એકબીજાના સંપર્કમાં રહે છે, પરંતુ કાર્યકરો અને પત્રકારો વચ્ચે કોઈ જ નિયમિત બેઠક યોજાતી ન હોવાથી વર્તમાન વિકાસલક્ષી મુદ્દાઓ ઉજાગર કરી શકાતા નથી. વળી, સામાન્ય રીતે, આપણા દેશના અલગ-અલગ રાજ્યોમાં પત્રકારોને એક સ્થળ ઉપર ભેગા થવા માટે 'પ્રેસ-ક્લબ'ની વ્યવસ્થા છે. આપણા ગુજરાતમાં આ વ્યવસ્થા નથી. તેમાં પણ ખાસ કરીને, વિકાસલક્ષી મુદ્દાઓની માહિતી મેળવવા માટે આવા કોઈ ખાસ સ્થળનો અભાવ છે. આથી, આ બધી બાબતોને કેન્દ્રમાં રાખી એક નિયમિતતા જાળવી રાખવા માટે જુલાઈ, 2004થી દર મહિને ચોક્કસ વાર અને સ્થળ સાથે 'વિકાસ-ગોષ્ઠિ' યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આ વિચાર મુજબ છેલ્લાં પાંચેક વર્ષથી દર મહિને 'ચરખા' દ્વારા અચૂક 'વિકાસ-ગોષ્ઠિ' યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં જુદાજુદા વિષયો ઉપર 50થી વધુ 'વિકાસ-ગોષ્ઠિ' યોજાઈ ચૂકી છે. તેમાં ગુજરાતના અનુભવી કર્મશીલો તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી સાંપ્રત અને પ્રાદેશિક મુદ્દાઓ ઉજાગર કર્યા છે. આ ગોષ્ઠિ દરમ્યાન પત્રકારોને ઉજાગર કરવા જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ વિશેની જાણકારી પૂરી પાડવામાં આવે છે. વળી, આ માત્ર પ્રેસબ્રીફિંગ નહીં હોવાથી બીજા જ દિવસે સમાચાર પ્રકાશિત થાય તેવો આગ્રહ રાખવામાં આવતો નથી. તેમ છતાં, ગોષ્ઠિના ફૉલો-અપ રૂપે મુખ્ય પ્રવાહનાં બધાં અખબારોએ વિકાસલક્ષી મુદ્દાઓને સ્થાન આપ્યું છે. અત્યાર સુધીમાં 'ચરખા' પાસે 20 દૈનિક અને 7 સાપ્તાહિકના મળી કુલ 136 કતરણો ઉપલબ્ધ થયાં છે.

અખબારી માધ્યમ ઉપરાંત વીજાણું માધ્યમના પત્રકારોએ પણ સ્ટોરી કરી છે. તેનું પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ થયું છે. આ ગોષ્ઠિએ વિકાસલક્ષી કાર્યો પ્રત્યે પત્રકોરોની રૂઢિગત માનસિકતા બદલવામાં તથા તેમની સમજ અને સંવેદનશીલતા કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે પત્રકારો અને સામાજિક કાર્યકરો વચ્ચે સંપર્ક વધ્યો છે અને ગાઢ સંબંધો બંધાયા છે. અનેક પડકારો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 172 પત્રકારો ગોષ્ઠિમાં ઉપસ્થિત રહ્યા છે.