વિકાસલક્ષી આલેખન

ચરખા દ્વારા ગુજરાતનાં જુદાંજુદાં વિકાસલક્ષી કાર્યો વિશે દર મહિને સરેરાશ 8થી 10 લેખો તૈયાર થાય છે અને તે ગુજરાતનાં મુખ્યપ્રવાહનાં 40 અખબારો/પત્રો (દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક વગેરે)માં પ્રકાશિત થાય છે. અંતરિયાળ વિસ્તારોમાં થઈ રહેલા હકારાત્મક વિકાસલક્ષી પ્રયાસોને મુખ્યપ્રવાહનાં અખબારોમાં વાચા મળે એ આ પ્રવૃત્તિનો હેતુ છે.

મુખ્ય પ્રવાહનાં અખબારોમાં વિકાસલક્ષી પ્રયાસોનું આલેખન

ગુજરાતના મુખ્ય પ્રવાહનાં અખબારોમાં વિકાસલક્ષી પ્રયાસો વિશે આલેખન થાય અને વિકાસ કાર્યોની વાતો વ્યાપક જનસમાજ સુધી પહોંચે તે 'ચરખા'ની રણનીતિ રહી છે. આ માટે ગુજરાતના ચાવીરૂપ પ્રશ્નો અને તે ઉકેલવા માટે થઈ રહેલા લોકપ્રયાસો અંગે 'ચરખા' દ્વારા આલેખન કરવા અને કરાવવામાં આવે છે. દર મહિને વિવિધ મુદ્દાઓ આધારે સાતથી આઠ લેખો તૈયાર કરવામાં આવે છે અને ગુજરાતનાં 40થી વધુ અખબારોને મોકલાવવામાં આવે છે.

અત્યાર સુધીમાં વિવિધ વિકાસલક્ષી વિષયોને ઉજાગર કરતા હજારેક લેખો તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખોનું ગુજરાતનાં ચાલીસેક અખબારો અને સામયિકોમાં પ્રકાશન થયું છે.

આલેખનનાં માધ્યમથી વંચિત સમુદાયને ન્યાય અને અધિકાર અપાવવા 'ચરખા' સતત પ્રયત્નશીલ રહ્યું છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની મુલાકાત બાદ આલેખન દ્વારા પોટરી કામદારો, ખેડૂતો અને ખેતમજૂરો, અગરબત્તી કામદારો, માથે મેલું ઉપાડવાની પ્રથા, દલિત અત્યાચાર અને વિવિધ યોજનાથી અસરગ્રસ્તો બનેલા સમુદાયોની સમસ્યાઓ જેવા વિવિધ પ્રશ્નોને વાચા આપીને ન્યાય અપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનેક પડકારો વચ્ચે મુખ્યપ્રવાહનાં અખબારોમાં આવા પ્રશ્નોનું પ્રકાશન કરાવીને જનસમાજ ઉપર અસર ઊભી કરી શકાઈ છે. કેટલાક લેખોની અસરરૂપે સરકારી તંત્ર પણ ખળભળ્યું છે અને તેને વંચિતોનાં હિતમાં પગલા લેવાની ફરજ પડી છે.

'ચરખા' દ્વારા તૈયાર થયેલા લેખોના મુદ્દાઓમાં મુખ્યત્વે મહિલા સરપંચોની સફળ કામગીરી, મહિલાઓના અધિકારો અને નેતૃત્વ, જમીનમાલિકી અને મહિલાઓ, પંચાયતી રાજ, પાણીની સમસ્યા અને તે ઉકેલવા માટે થયેલા પ્રયાસો, શિક્ષણ, આરોગ્ય, સજીવ ખેતી, વિકલાંગતા, પર્યાવરણ-પ્રદૂષણ, બાળ અધિકારો, બાળ મજૂરી, ભૂકંપ પછીનું પુનર્વસન, આદિવાસીઓ તથા કોમી એખલાસ જાળવવાનાં દૃષ્ટાંતરૂપ પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, 'ચરખા' સ્થાનિક સ્તરે કાર્યરત સામાજિક કાર્યકરોને વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર લખતા કરીને 'નિયમિત વિકાસલક્ષી લેખકો'ની એક ટીમ પણ રચી શક્યું છે. આ લેખકોએ સમગ્ર ગુજરાતના જુદાજુદા વિસ્તારના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે નિયમિત રીતે આલેખન કરી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે આ લેખકો તેમની એક આગવી ઓળખ ઊભી કરી શક્યા છે.

અખબારોમાં 'ચરખા' વિશે આલેખન

ગુજરાતમાં વિકાસલક્ષી પત્રકારત્વ ક્ષેત્રે વર્ષ, 1995થી 'ચરખા-વિકાસ સંચાર નેટવર્ક' કાર્યરત છે. વિકાસલક્ષી પ્રયાસોને ઉજાગર કરવા 'ચરખા' દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓમાં વિશેષ રસ દાખવીને કેટલાક પત્રકારો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓએ 'ચરખા' વિશે આલેખન કર્યું છે. તેમાં મુખ્યત્વે 'ચરખા'ની પ્રવૃત્તિઓ, 'ચરખા' દ્વારા આયોજિત કાર્યક્રમો, 'ચરખા'નાં પુસ્તકો તથા ફેલોશિપના અભ્યાસ અહેવાલોનાં આધારે આલેખન કરવામાં આવ્યું છે.