પત્રકારત્વના વિદ્યાર્થીઓને ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ

પત્રકારત્વના વિદ્યાર્થીઓ વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓથી વાકેફ થાય તેમ જ ગુજરાતના ચાવીરૂપ વિકાસલક્ષી મુદ્દાઓ વિશે સંવેદનશીલતા કેળવી મુખ્યપ્રવાહનાં માધ્યમોમાં તે મુદ્દાઓ ઉજાગર કરે તે હેતુથી 'ચરખા-ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ'ની શરૂઆત વર્ષ 2004થી કરવામાં આવી.

અત્યાર સુધીમાં 'સ્થળાંતર અને સ્થળાંતરિત સમુદાયો' 'ડાંગ જિલ્લાની વિકાસલક્ષી સમસ્યાઓ અને તેની વિકાસ કૂચ' અને 'બાળકીઓના અધિકારો' વિષયો ઉપર ફેલોશિપ એનાયત કરવામાં આવી છે. આ ફેલોશિપ માટે 'ચરખા' દ્વારા ગુજરાતના પત્રકારત્વ અને વિકાસ સંચારનું શિક્ષણ આપતા અલગ-અલગ વિભાગને ફેલોશિપનું આમંત્રણ પાઠવવામાં આવે છે. ત્યારબાદ ફેલોશિપ મેળવવા માટે અરજીના રૂપમાં વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય પત્ર અને ફેલોશિપના મુદ્દા આધારિત નોંધ તૈયાર કરી 'ચરખા'ને મોકલાવવાની રહે છે. તેમના વ્યક્તિગત ઈન્ટરવ્યૂ બાદ વિદ્યાર્થીઓને ફેલોશિપ એનાયત કરવામાં આવે છે.

'ચરખા'ની ત્રણેય ફેલોશિપમાં પત્રકારત્વ વિભાગના કુલ 8 વિદ્યાર્થીઓ (05 વિદ્યાર્થિનીઓ, 03 વિદ્યાર્થીઓ) પસંદગી પામ્યા છે.

'ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ' મેળવનાર આ વિદ્યાર્થીઓએ અંતરિયાળ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સંશોધન કાર્ય કરી શોધ અહેવાલ તૈયાર કર્યા છે. તેઓએ પસંદ કરેલા મુદ્દાઓના અભ્યાસમાં સ્થળાંતર અને વિકાસલક્ષી સમસ્યાઓનાં વિવિધ પાસાઓ વિશે માહિતી મેળવી છે અને તેને નોંધમાં ઉજાગર કર્યા છે. તેઓએ મુદ્દાના નિષ્ણાત કર્મશીલોનો સંપર્ક કરી ઊંડાણપૂર્વક સમજ મેળવી છે તથા કર્મશીલોનાં મંતવ્યો નોંધમાં આવરી લીધાં છે. વિદ્યાર્થીઓના અનુભવ મુજબ સફળતાપૂર્વક આ ફેલોશિપ પૂર્ણ કર્યા પછી આજે તેઓની એક આગવી ઓળખ ઊભી થઈ છે. તેમના સહાધ્યાયીઓ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે કોઈ મુંઝવણ હોય તો તેમનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી રહ્યાં છે.

આ જ રીતે, મુખ્ય પ્રવાહનાં અખબારોના પત્રકારોનો ચોક્કસ વિષય ઉપર દૃષ્ટિકોણ કેળવવા માટે પણ 'ફેલોશિપ ફૉર ડેવલપમેન્ટ' એનાયત કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના ચાવીરૂપ મુદ્દાઓ ઉપર કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને 'ચરખા'ના સંયોજનથી આ ફેલોશિપ પત્રકારોને આપવામાં આવે છે. ગુજરાતમાં ઘટી રહેલા બાળકીના જન્મદરને ધ્યાનમાં રાખી આ મુદ્દે વ્યાપક જનસમાજમાં લોકજાગૃતિ કેળવવા પ્રથમ ફેલોશિપનો વિષય ' બાળકીઓ અને ગુજરાત' પસંદ કરવામાં આવ્યો.

સ્વૈચ્છિક સંસ્થા 'ચેતના' તથા 'ચરખા'ના સંયુક્ત ઉપક્રમે એનાયત થયેલી આ ફેલોશિપ માટે મુખ્ય પ્રવાહના ચાર પત્રકારોની પસંદગી કરવામાં આવી. પસંદ થયેલા પત્રકારોનું ગુજરાતના જુદાજુદા વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો વિશે નિયમિત રીતે આલેખન કરવામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. આ પત્રકારોએ ગુજરાતમાં બાળકીઓનો ઓછો જન્મદર ધરાવતા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અભ્યાસ કર્યો અને આલેખન કર્યું. અખબારોમાં પ્રકાશિત સમાચારોમાં બાળકીઓના અધિકારો, સ્ત્રી-ભ્રૂણહત્યા, તેમની સાથે દાખવવામાં આવતો ભેદભાવ તથા સમાજ અને સરકારની ભૂમિકાને અસરકારક રીતે ઉજાગર કરવામાં આવી છે.