હકારાત્મક વિકાસલક્ષી સંચારને વેગ આપવાનો પ્રયાસ

વિકાસ સંચાર ક્ષેત્રે છેલ્લાં 13 વર્ષથી કાર્યરત ‘ચરખા’ની આ વેબસાઈટ આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવીએ છીએ. 

‘ચરખા’ કોઈ છાપું કે સામયિક નથી, પણ વિકાસલક્ષી કાર્યોમાં જનસમાજની શ્રદ્ધા જન્માવવાનો એક નમ્ર પ્રયાસ છે. ‘ચરખા’ એક વિકાસ સંચાર નેટવર્ક છે અને એક સ્વૈચ્છિક સંસ્થા તરીકે તે ગુજરાતમાં 1995થી કાર્યરત છે. ‘ચરખા’ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રવાહનાં 40થી વધુ અખબારો અને સામયિકો તથા ટીવી ચેનલોના માધ્યમથી વિકાસલક્ષી કાર્યોને વાચા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘ચરખા’ દ્વારા કોઈ સંસ્થા કે વ્યક્તિને ઉજાગર કરવાને બદલે વિકાસલક્ષી મુદ્દાઓને વાચા આપવાનો પ્રયત્ન થાય છે.

આ વેબસાઈટ દ્વારા ‘ચરખા’ની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવાની સાથે સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસોને વાચા આપવાનો પણ પ્રયાસ કરીશું. ગુજરાતના ચાવીરૂપ મુદ્દાઓ અને નોંધપાત્ર વિકાસલક્ષી પ્રયાસો વિશે હકારાત્મક અભિગમ સાથે આલેખન કરવાના ‘ચરખા’ના ધ્યેયને આ વેબસાઈટના માધ્યમથી વેગ મળશે.

ગુજરાતમાં વિકાસ ક્ષેત્રે જોડાયેલા સ્વૈચ્છિક કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓને, પોતાના હકારાત્મક વિકાસલક્ષી અનુભવોને આ વેબસાઈટના માધ્યમથી વાચા આપવા આમંત્રણ છે. મુખ્ય પ્રવાહનાં અખબારો તથા ટીવી ચેનલોના પ્રતિનિધિઓને વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરવાની દિશા અને મદદ મળી રહે એવો પ્રયાસ રહેશે.

‘ચરખા’ નામ શા માટે?

ગાંધી બાપુનો ‘રેંટિયો’ એટલે કે ‘ચરખો’ સાતત્યનું પ્રતીક છે. ‘ચરખા’ દ્વારા આપણને સ્વાવલંબન અને સાદગીનો સંદેશો મળે છે. ‘ચરખા’નાં આ મૂલ્યોમાંથી પ્રેરણા લઈને સંસ્થાના સ્થાપક શ્રી સંજોય ઘોષે ‘ચરખા’ નામ પસંદ કર્યું.