હકારાત્મક બાબતો ઉજાગર કરવાની આવશ્યકતા


આપણે આપણા દેશનાં સામર્થ્ય અને એની સિદ્ધિઓને કબૂલતાં આટલા બધા ખચકાઈએ છીએ કેમ? આપણે તો એક મહાન રાષ્ટ્ર છીએ. આશ્ચર્યચકિત કરી દે તેવી આપણી સફળતાઓ છે, છતાં આપણે એને સ્વીકારવા તૈયાર નથી. દૂધ-ઉત્પાદનમાં આપણે દુનિયામાં સૌથી મોખરે છીએ. રિમોટ સેન્સિંગ સેટેલાઈટ - છેટેથી વસ્તુને પારખવા માટેના ઉપગ્રહો પામવામાં આપણે સૌપ્રથમ છીએ. ધાનની ખેતીમાં આપણે બીજે નંબરે છીએ. આવી તો લાખો સિદ્ધિઓ છે, પણ આપણાં સંચાર માધ્યમોને તો કેવળ અશુભ સમાચારો અને નિષ્ફળતા જ દેખાય છે.

હું એક વાર તેલઅવીવ (ઇઝરાયલ)માં હતો. એક ઇઝરાયલી છાપું વાંચતો બેઠો હતો. એના આગલા દિવસે કેટલાયે હુમલાઓ, બૉમ્બ ફેંકવાના બનાવો અને મૃત્યુ થયાં હતાં. પણ છાપાના પહેલા પાના પર એક યહુદી સજ્જનનો ફોટો હતો. એણે પોતાની રણ જેવી ઉજ્જડ જમીનને ફળના બગીચામાં અને અન્ન ભંડારમાં પલટાવી નાખી હતી. એ પ્રેરક છબી જોઈને સહુમાં હામ આવતી હતી. હત્યા, બૉમ્બ ફેંકવાના બનાવો અને મૃત્યુ વગેરેના સમાચારો અંદરના પાને બીજા સમાચારોની વચ્ચે એક બાજુ દબાયેલા છપાયા હતા. પણ, અહીં ભારતમાં આપણને પહેલે પાને મોત, માંદગી, આતંકવાદ અને ગુનાઓની વાત જ વાંચવા મળે છે.

- ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
પૂર્વ રાષ્ટ્રપતિ
(તસવીર સૌજન્યઃ www.abdulkalam.com)