કલમ કર્તવ્ય 'ચરખા'ની છેલ્લાં 12 વર્ષની પ્રવૃત્તિઓમાં લેખન-કૌશલ્ય કાર્યશિબિરો અને વિકાસ-ગોષ્ઠિઓ સૌથી વધુ અસરકારક નીવડી છે. શિબિરોના માધ્યમથી જેમની લેખન-કળા વિકસી છે એવા સામાજિક કાર્યકરો વિકાસલક્ષી આલેખન કરતા થયા છે. ગોષ્ઠિના માધ્યમથી પત્રકારોનું વિકાસ કાર્યક્રમો સાથેનું જોડાણ ઘનિષ્ઠ થયું છે તે તેમના લખાણમાં દેખાય છે. તેમ છતાં, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના પ્રશ્નોને વાચા આપવા તેમ જ વંચિતોને અધિકારો અપાવવાની દિશામાં જે પ્રયાસો થઈ રહ્યા છે તેના વિશે ઓછું લખાયું છે.

આ વાત ધ્યાનમાં રાખીને સમાજકાર્યમાં જોડાયેલા લોકો તથા પત્રકારોની ઊગતી પેઢીને વિકાસલક્ષી આલેખનનું મહત્ત્વ સમજાય એ હેતુથી આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. માર્ગદર્શિકામાં વિકાસ અને પત્રકારત્વ ક્ષેત્રના અનુભવી લોકોએ વિકાસલક્ષી આલેખનની જરૂરિયાત તેમ જ કૌશલ્ય વિશે પોતાનું માર્ગદર્શન અને વિચારો આપ્યાં છે.

માર્ગદર્શિકાને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચવામાં આવી છે. પ્રથમ વિભાગમાં સમાજ-પરિવર્તન માટે આશાવાદને દૃઢ કરવામાં વિકાસલક્ષી આલેખનનું શું મહત્ત્વ છે તે દર્શાવવામાં આવ્યું છે. બીજા વિભાગમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાર્યકર જ્યારે કામ કરવાની સાથે આલેખન પણ કરે છે તેનાથી તેમનો વિકાસ થાય છે. પરિણામે, તેમનાં આત્મસન્માનમાં વધારો થાય છે. ત્રીજા વિભાગમાં વિકાસલક્ષી આલેખન કરવાની જુદી જુદી શૈલી અને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ચોથા અને છેલ્લા વિભાગમાં કેસ-સ્ટડી અને પ્રેસનોટ લખતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો વિશે રજૂઆત કરવામાં આવી છે.

પ્રથમ વિભાગમાં શ્રી યશવન્તભાઈએ લખ્યું છે કે, સ્થાનિક સ્તરના કાર્યકરો જ્યારે પોતાના અનુભવો લખે ત્યારે વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરે છે. આ કાર્યકરો વિકાસપ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોવાથી તેમના આલેખનમાં ઘણું બળ હોય છે. તેથી જ તેમનું લખાણ સમાજના આમ નાગરિકોના હૃદયને સ્પર્શે છે. તેમનાં લખાણોમાં વિકાસ ક્ષેત્રનું સાચું ચિત્ર હોય છે, એટલે શ્રી યશવન્તભાઈએ સ્થાનિક સ્તરના કાર્યકરોને તેમના અનુભવો લખતા રહેવાનું આહ્વાન કર્યું છે. શ્રી મિરાઈબહેન પણ આ જ વાત ઉપર ભાર મૂકે છે. તેમણે લખ્યું છે કે, આમ નાગરિકો જ્યારે પોતાની ભાષામાં પોતાના અનુભવો વ્યક્ત કરે છે ત્યારે વ્યાપક જનસમાજ પણ જાગ્રત થાય છે અને વિકાસકાર્યો પ્રત્યેનું તેમનું જોડાણ વધે છે. શ્રી ઇલાબહેન પાઠકે સામાજિક-લિંગ સમાનતા અંગેનો દૃષ્ટિકોણ કેળવે એવું પત્રકારત્વ કરવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. શ્રી રમેશભાઈએ તેમના લેખમાં સ્વસ્થ-સમાજના નિર્માણ માટે આલેખનનું મહત્ત્વ સમજાવ્યું છે. શ્રી પૂનમબહેન કહે છે તેમ, લખવાથી આપણાં કાર્યોની સીમા અને અસરકારકતામાં વધારો થાય છે. વળી, કાર્યકર્તા એ અસરો જોઈ શકે છે. શ્રી વિપુલભાઈએ આલેખનની હકારાત્મક અસરનું ઉદાહરણ આપ્યું છે. જો આપણા આલેખનથી કામ કરવાનું આપણું ધ્યેય હાંસલ થતું હોય અને કોઈને ન્યાય મળતો હોય તો આપણામાં આશાવાદ જન્મે છે એમ તેઓ કહે છે. તેથી પરિવર્તનની આ પ્રક્રિયા વિશે લખનાર અને વાંચનાર પણ આશાવાદી બને છે.

બીજા વિભાગમાં શ્રી સુષમાબહેને કાર્યકર્તાઓ લખે છે ત્યારે પોતાની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે એમ જણાવ્યું છે. કાર્યકરોએ કરેલું આલેખન તેમના માટે સ્વવિકાસ અને આત્મખોજની પ્રક્રિયા બની જાય છે. સમાજ-પરિવર્તનની સાથે સાથે પોતાની જાત સાથે સંવાદ સાધીને પોતાનામાં પણ હકારાત્મક બદલાવ લાવવા માટે કાર્યકર લખે એ ખૂબ જરૂરી છે એમ શ્રી સુષમાબહેન કહે છે. શ્રી સુખદેવભાઈ કહે છે તેમ આલેખનકાર માહિતી ભેગી કરવાની, તેને સમજવાની અને ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા દરમિયાન પોતાની અંદર એક યાત્રાનો આવિષ્કાર કરતો હોય છે. શ્રી અપૂર્વભાઈએ આત્મસન્માન ઉજાગર કરવા માટે આલેખન કરવાની જરૂરિયાત વિશે જણાવ્યું છે. તેમણે આત્મસન્માનને વિકાસનું પહેલું પગથિયું ગણાવ્યું છે. શ્રી રજનીભાઈએ કર્મશીલને ચિંતનશીલ બનવાનું આહ્વાન કર્યું છે. તેમણે વિકાસલક્ષી આલેખનનો હેતુ 'માથાં ભાંગવાના' સ્થાને 'માથાં પરિવર્તન'નો હોય એ વાત ઉપર ભાર મૂક્યો છે. શ્રી ભાનુભાઈએ તો વિકાસલક્ષી આલેખનને આપણા વિચારોનું વસિયતનામું ગણાવ્યું છે. અનુભવાયેલું લખવાથી આપણી વિચારશક્તિનો વ્યાપ વધે છે એમ તેમણે કહ્યું છે એ સાચું જ છે.

ત્રીજા અને ચોથા વિભાગમાં વિકાસલક્ષી આલેખનની આવડત વિકસાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ત્રીજા વિભાગના લેખોનો ક્રમ, લેખકોનાં નામની કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવ્યો છે. તેમાં રજૂ થયેલા લેખોમાં જુદા જુદા લેખકોએ સરળ અને સાદી ભાષામાં વિકાસલક્ષી આલેખન કરવાની શીખ આપી છે.

શ્રી ઇન્દુભાઈએ તેમના લેખ દ્વારા સામાજિક કાર્યકરોને વિકાસલક્ષી આલેખન કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમણે કાર્યકરોને સમાન, સ્વસ્થ અને ન્યાયી સમાજના નિર્માણ માટે વંચિત સમુદાયોની વાચા બનવાનું આહ્વાન કર્યું છે. શ્રી યશવન્તભાઈએ તેમના લેખમાં ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવા અને લોકો સાથે વાતચીત કરીને ઊંડાણપૂર્વક લખવા ઉપર ભાર મૂક્યો છે. લખાણ જેટલું વાસ્તવિક હશે તેટલું તેમાં ઊંડાણ આવશે એમ તેમણે કહ્યું છે. શ્રી દિગંતભાઈએ અન્વેષણાત્મક પત્રકારત્વની ખરી વ્યાખ્યા સમજાવી છે. તેમણે વિકાસલક્ષી આલેખન માટેની પૂર્વશરતો રૂપે ઉપયોગી અગિયાર મુદ્દાઓ દર્શાવ્યા છે. શ્રી હેમન્તભાઈએ ગુણવત્તાયુક્ત લખાણમાં પણ આંકડાઓનું મહત્ત્વ સમજાવ્યું છે. આંકડાઓ અને તથ્યો આપવાથી કોઈ પણ વિષયનું એક વ્યાપક ચિત્ર રજૂ કરી શકાય છે. શ્રી બેલાબહેને લખાણ નીરસ બની જાય એટલી હદ સુધી આંકડાઓ મૂકવા સામે લાલબત્તી ધરી છે.

શ્રી ઉર્વીશભાઈએ સમસ્યા, સંઘર્ષ અને સિદ્ધિ એ ત્રણ મુદ્દે વિકાસલક્ષી પત્રકારત્વનો અવકાશ છે એમ કહ્યું છે. તેમણે સમસ્યાની ગંભીરતા, તેનાં ઊંડાણ અને મૂળિયાંથી પરિચિત થયા પછી જ આલેખન કરવાનું સૂચન કર્યું છે. ઉપરાંત, સિદ્ધિ અને સફળતાની સાથે સાથે મર્યાદાઓ તરફ પણ આંગળી ચીંધવાનું કેટલું જરૂરી છે એ તેમણે સમજાવ્યું છે. શ્રી સોનલબહેને પુસ્તકાલય અને સંદર્ભનો ઉપયોગ કરવા કહ્યું છે. તો શ્રી મણિભાઈ, શ્રી રમેશભાઈ, આયેશાબહેન, શ્રી આદલબહેન, શ્રી વિનોદભાઈ અને શ્રી દલપતભાઈએ રસપ્રદ દૃષ્ટાંતો અને પોતાના અનુભવો ટાંકીને વિકાસલક્ષી પત્રકારત્વ માટે ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવી છે. શ્રી મૌલિનભાઈએ રેડિયો પત્રકારત્વ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. શ્રી સંજયભાઈએ વિકાસ ક્ષેત્રે જોડાયેલા કાર્યકરો માટે સમૂહમાધ્યમો સુધી પહોંચવાની રણનીતિ બતાવી છે.

છેલ્લા વિભાગમાં કેસ-સ્ટડી અને પ્રેસનોટ લખવાનું સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર જે-તે સમયે આવતા મહત્ત્વના દિવસો વિશે જાણકારી મેળવીને તે અનુસાર આલેખન કરીને અખબારોમાં પ્રકાશિત કરાવતા થાય તે માટે 'વર્ષ દરમિયાન આવતા મહત્ત્વના દિવસો'ની અને સમૂહમાધ્યમોની યાદી આપવામાં આવી છે.


પ્રસ્તુતિઃ ચરખા, પ્રકાશકઃ ઉન્નતિ