‘કલમ કર્તવ્ય’ વિશે અભિપ્રાય


પ્રકાશ ન. શાહ
અગ્રણી કર્મશીલ-પત્રકાર અને તંત્રીશ્રી, ‘નિરીક્ષક’ પાક્ષિક, અમદાવાદ.
 
વિકાસલક્ષી પત્રકારત્વની હાથપોથી જેવી આ સામગ્રી સંપડાવવા બદલ ‘ચરખા’ને દિલી મુબારકબાદી ઘટે છે. જે વાત મને અહીં સ્પર્શી ગઈ તે એ કે એમાં કર્મી ને કલમી બેઉનો સહયોગ લેવાયો છે. ખરું જોતાં, છેલ્લાં વરસોમાં આપણે ત્યાં જે એક નવી પેઢી આવી છે - પત્રકારત્વમાં જેમ ‘કેરિયર’ તમે ‘કોલિંગ’ પણ જોતી - એના સંસ્કારોને સંકોરવા સારું અને ઓજારોને ઊંજવા સારું આ સામગ્રીમાં ઠીકઠીક ખાણદાણ પડેલું છે. આ બધા ઉન્મેષોની ઉમંગી ઉજાણી પછી મારા જેવાને જાગતો લોભ ને બંધાતી હોંશ એવા યુવજનોને જોવા મળવાનાં અને એમની વચ્ચે જીવવાનાં છે, જ્યાં કર્મ ને કલમની જુગલબંદી એક સ્થાયી ભાવ હોય. આ જુગલબંદી જેમ જે તે કર્મકલમી કે કલમકર્મીને પોતાને સાર્થક જીવનનો આનંદ આપે તેમ પ્રત્યેક્ષ અનુભવમાંથી ને પરસ્પર આપ-લેને પગલે વિકાસની અવધારણાને પણ તળેઉપર તપાસતા રહેવાની ભૂમિકા સરજી આપે, એ નવી દુનિયાનો આપણો પાસપોર્ટ હશે.
..........................................................................................................

તુષાર ભટ્ટ
પૂર્વ તંત્રી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇકોનોમિક ટાઇમ્સ, અમદાવાદ.

આ પુસ્તક દશ વર્ષ મોડું છે. આ પુસ્તક વિકાસલક્ષી પત્રકારત્વમાં અંતિમ શબ્દ નથી, પણ ગાઢ અંધકારમાં એક દીવડો તો જરૂર છે જ. માધ્યમોની ઉપેક્ષા છતાં સ્વૈચ્છિક સંસ્થાઓએ વિકાસની વાતોને છાપાંઓમાં જગ્યા મળતી થાય એવી જહેમત તો કરવી જ પડશે. આમાં વિકાસલક્ષી પત્રકારત્વ કરવાની અણઆવડત અને સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓની આવા પત્રકારત્વની અગત્ય વિશે ગેરસમજ પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ પુસ્તક આ દિશામાં એક શુભ શરૂઆત છે. આમ પણ ગુજરાતી પત્રકારત્વમાં અભ્યાસનાં પુસ્તકો પાંખાં છે. એ દૃષ્ટિએ આ પુસ્તકની અગત્ય વધી જાય છે. આ પુસ્તક માત્ર પત્રકારત્વના વિદ્યાર્થીઓ કે સ્વૈચ્છિક સંસ્થાઓમાં જનસંપર્ક સંભાળતા કાર્યકરો માટે જ નથી, સંસ્થાઓના વડાઓ પણ આ પુસ્તક પર નજર નાંખી જશે તો એમની ત્રીજી આંખ ઊઘડશે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેના લખાણમાં પત્રકારત્વ વિશે જાગ્રત આગેવાનનો અને જે મુઠ્ઠીભર પત્રકારો આ કામમાં રસ દાખવે છે, એ બધાના લેખો આવરી લેવાયા છે. તેથી તેનો ફોકસ સર્વગ્રાહી રહ્યો છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે પુસ્તક દીવાદાંડીની ગરજ સારશે.
..........................................................................................................

સુદર્શન આયંગર
ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અને જાણીતા કર્મશીલ, અમદાવાદ.

આ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના પ્રવર્તમાન સ્તરને સુધારવા માટે અંગુલીનિર્દેશ કરે છે. વિકાસલક્ષી મુદ્દાઓ અંગે આલેખન કરવાનું માર્ગદર્શન અને બોધ બન્ને આ પુસ્તકમાંથી સુપેરે મળે છે.
..........................................................................................................

મનીષી જાની
કર્મશીલ-લેખક અને વિકાસલક્ષી પ્રત્યાયનના તજજ્ઞ, અમદાવાદ.
 
સમાજકાર્યમાં લાગેલા કાર્યકરો માટે જેમ, ‘કદમ-કદમ બઢાયે જા’ મહત્ત્વની વાત છે તેમ ‘કલમ-કલમ ચલાયે જા’ પણ આજના સમયમાં દરેક કાર્યકર માટે જરૂરી બની રહે છે. આ સંદર્ભે ‘કલમ કર્તવ્ય’એ ‘ચરખા’નુ નોંધપાત્ર કામ છે. વિકાસલક્ષી આલેખન માટેના ‘વિષયવસ્તુ’ અને ‘લેખન-કૌશલ્ય’એ બન્નેયને જાણતલ અને જાગતલ કર્મશીલ-લેખકોની કલમે લખાવીને સુગ્રથિતપણે અહીં મુકાયાં છે. તે આ માર્ગદર્શિકાની વિશેષતા છે. વિકાસલક્ષી આલેખન માટેની આ માર્ગદર્શિકા માત્ર સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો માટે જ નહીં, પરંતુ વ્યવસાયી પત્રકારો, વિકાસલક્ષી પત્રકારત્વ - પ્રત્યાયન ભણતા-ભણાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ ભાથું પૂરું પાડનાર બની રહે તેમ છે. મારી જાણકારી મુજબ વિકાસલક્ષી પ્રત્યાયન ક્ષેત્રે ગુજરાતી ભાષામાં આ પહેલી જ અને જરૂરી પહેલ છે.
..........................................................................................................