લેખનના માધ્યમથી મારા વ્યક્તિત્વનો વિકાસ થયો

- રમેશ ભટ્ટી, 'સહજીવન' સંસ્થા, ભુજ-કચ્છ
વિકાસલક્ષી લેખ, કેસસ્ટડી વગેરે વિષયો ઉપર લખવું એ આવડત અને કળાનો વિષય છે. આવા પ્રકારનું લખાણ કરવાની કળા ઘણી વ્યક્તિઓમાં છુપાયેલી હોય છે.

એ કળાને બહાર લાવવા યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળે તો લેખનમાં રસ ધરાવતી ઘણી વ્યક્તિઓ તૈયાર થઈ શકે. અનેક સમસ્યાઓ સામે ઝઝૂમીને વિકાસની કેડી કંડારતા લોકોનાં અનેક દૃષ્ટાંતો આપણા સમાજમાં મોજૂદ છે, પરંતુ આ પ્રકારની વ્યક્તિઓ કે સમુદાયો વિશે જનસમાજને ખૂબ ઓછી જાણકારી હોય છે. મેં, આ પ્રકારના લોકોના પ્રયાસોને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે અને ભવિષ્યમાં કરતો રહેવાનો છું. લખવાથી વ્યાપક જનસમુદાય સમક્ષ આમ આદમીના પ્રશ્નો અને પ્રયાસોને હું વાચા આપી શક્યો. ઉપરાંત, લેખનના માધ્યમથી મારા વ્યક્તિત્વનો પણ વિકાસ થયો.