ચરખા વિશે


મહારાષ્ટ્ર રાજ્યના નાગપુરમાં ડિસેમ્બર ૭, ૧૯૫૯માં જન્મેલા શ્રી સંજોય ઘોષે 1994માં દિલ્લીમાં ‘ચરખા-વિકાસ સંચાર નેટવર્ક’ની સ્થાપના કરી. ૧૯૯૫માં સ્વૈચ્છિક સંસ્થા ‘ઉન્નતિ’એ ગુજરાતની બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ અને અગ્રણી કર્મશીલોની મદદથી ગુજરાતમાં ‘ચરખા’ની શરૂઆત કરી. હાલમાં ‘ચરખા’ ભારતનાં ૫ રાજ્યો- દિલ્લી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઝારખંડમાં કાર્યરત છે. દિલ્લી અને ગુજરાતમાં ‘ચરખા’ નામથી ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે એક સ્વૈચ્છિક સંસ્થા તરીકે તે નોંધાયેલું છે.

ધ્યેય
વિકાસલક્ષી પ્રયાસો અને સામાજિક પરિવર્તન વિશે નાગરિક સમાજમાં શ્રદ્ધા અને હકારાત્મક વલણો ઊભાં કરવાં.

રણનીતિ
વિકાસ ક્ષેત્રના કર્મશીલોનું ક્ષમતાવર્ધન કરીને અને પત્રકારોને પ્રોત્સાહન આપીને મુખ્ય પ્રવાહનાં માધ્યમોમાં દૃષ્ટાંતરૂપ વિકાસલક્ષી પ્રયાસોનું દસ્તાવેજીકરણ કરવું અને તેનો પ્રચાર-પ્રસાર કરવો.

હેતુઓ

  • ગુજરાતનાં મુખ્ય પ્રવાહનાં અખબારોમાં ક્ષેત્રીય કાર્યકરો દ્વારા વિકાસલક્ષી પ્રશ્નો અંગે હકારાત્મક આલેખનને પ્રોત્સાહન આપવું.
  • સામાજિક કાર્યકરોનું લેખન કૌશલ્ય વિકસાવવું અને તેમને લોકકેન્દ્રી ચિરંતન વિકાસ અંગેના તેમના અનુભવો વિશે નિયમિત લેખન કાર્ય કરવા સક્ષમ બનાવવા. 
  • સ્વૈચ્છિક સંસ્થાઓ અને માધ્યમો વચ્ચે સંપર્ક ઊભો કરવા માટેનો અને સંવાદ સર્જવાનો મંચ પૂરો પાડવો.
  • સ્થાનિક વિકાસલક્ષી પ્રયાસોમાં સક્રિય રીતે સામેલ થવા નાગરિક સમાજમાં સંવેદના જગાવવી.
‘ચરખા’ નામ શા માટે?

ગાંધી બાપુનો ‘રેંટિયો’ એટલે કે ‘ચરખો’ સાતત્યનું પ્રતીક છે. ‘ચરખા’ દ્વારા આપણને સ્વાવલંબન અને સાદગીનો સંદેશો મળે છે. ‘ચરખા’નાં આ મૂલ્યોમાંથી પ્રેરણા લઈને સંસ્થાના સ્થાપક શ્રી સંજોય ઘોષે ‘ચરખા’ નામ પસંદ કર્યું.


ચરખા - હકારાત્મક વિકાસલક્ષી સંચારને વેગ આપવાનો પ્રયાસ
 
વિકાસ સંચાર ક્ષેત્રે છેલ્લાં 13 વર્ષથી કાર્યરત ‘ચરખા’ની આ વેબસાઈટ આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ અનુભવીએ છીએ. 

‘ચરખા’ કોઈ છાપું કે સામયિક નથી, પણ વિકાસલક્ષી કાર્યોમાં જનસમાજની શ્રદ્ધા જન્માવવાનો એક નમ્ર પ્રયાસ છે. ‘ચરખા’ એક વિકાસ સંચાર નેટવર્ક છે અને એક સ્વૈચ્છિક સંસ્થા તરીકે તે ગુજરાતમાં 1995થી કાર્યરત છે. ‘ચરખા’ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રવાહનાં 40થી વધુ અખબારો અને સામયિકો તથા ટીવી ચેનલોના માધ્યમથી વિકાસલક્ષી કાર્યોને વાચા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘ચરખા’ દ્વારા કોઈ સંસ્થા કે વ્યક્તિને ઉજાગર કરવાને બદલે વિકાસલક્ષી મુદ્દાઓને વાચા આપવાનો પ્રયત્ન થાય છે.

આ વેબસાઈટ દ્વારા ‘ચરખા’ની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપવાની સાથે સાથે વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસોને વાચા આપવાનો પણ પ્રયાસ કરીશું. ગુજરાતના ચાવીરૂપ મુદ્દાઓ અને નોંધપાત્ર વિકાસલક્ષી પ્રયાસો વિશે હકારાત્મક અભિગમ સાથે આલેખન કરવાના ‘ચરખા’ના ધ્યેયને આ વેબસાઈટના માધ્યમથી વેગ મળશે.

ગુજરાતમાં વિકાસ ક્ષેત્રે જોડાયેલા સ્વૈચ્છિક કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓને, પોતાના હકારાત્મક વિકાસલક્ષી અનુભવોને આ વેબસાઈટના માધ્યમથી વાચા આપવા આમંત્રણ છે. મુખ્ય પ્રવાહનાં અખબારો તથા ટીવી ચેનલોના પ્રતિનિધિઓને વિકાસલક્ષી પત્રકારત્વનું ખેડાણ કરવાની દિશા અને મદદ મળી રહે એવો પ્રયાસ રહેશે.
-----------------------------------------------------------------------------------------------
હકારાત્મક બાબતો ઉજાગર કરવાની આવશ્યકતા 

આપણે આપણા દેશનાં સામર્થ્ય અને એની સિદ્ધિઓને કબૂલતાં આટલા બધા ખચકાઈએ છીએ કેમ? આપણે તો એક મહાન રાષ્ટ્ર છીએ. આશ્ચર્યચકિત કરી દે તેવી આપણી સફળતાઓ છે, છતાં આપણે એને સ્વીકારવા તૈયાર નથી. દૂધ-ઉત્પાદનમાં આપણે દુનિયામાં સૌથી મોખરે છીએ. રિમોટ સેન્સિંગ સેટેલાઈટ - છેટેથી વસ્તુને પારખવા માટેના ઉપગ્રહો પામવામાં આપણે સૌપ્રથમ છીએ. ધાનની ખેતીમાં આપણે બીજે નંબરે છીએ. આવી તો લાખો સિદ્ધિઓ છે, પણ આપણાં સંચાર માધ્યમોને તો કેવળ અશુભ સમાચારો અને નિષ્ફળતા જ દેખાય છે.

હું એક વાર તેલઅવીવ (ઇઝરાયલ)માં હતો. એક ઇઝરાયલી છાપું વાંચતો બેઠો હતો. એના આગલા દિવસે કેટલાયે હુમલાઓ, બૉમ્બ ફેંકવાના બનાવો અને મૃત્યુ થયાં હતાં. પણ છાપાના પહેલા પાના પર એક યહુદી સજ્જનનો ફોટો હતો. એણે પોતાની રણ જેવી ઉજ્જડ જમીનને ફળના બગીચામાં અને અન્ન ભંડારમાં પલટાવી નાખી હતી. એ પ્રેરક છબી જોઈને સહુમાં હામ આવતી હતી. હત્યા, બૉમ્બ ફેંકવાના બનાવો અને મૃત્યુ વગેરેના સમાચારો અંદરના પાને બીજા સમાચારોની વચ્ચે એક બાજુ દબાયેલા છપાયા હતા. પણ, અહીં ભારતમાં આપણને પહેલે પાને મોત, માંદગી, આતંકવાદ અને ગુનાઓની વાત જ વાંચવા મળે છે.


- ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
પૂર્વ રાષ્ટ્રપતિ
(તસવીર સૌજન્યઃ www.abdulkalam.com)


2 ટીપ્પણી:

diptesh mehta કહ્યું...

hi uttkanthaji, its realy nice , khubaj gami aapne pravrutti, aapna vanchan vartul ma add thava mate su karva nu hoi che???

*MyMedia~MyIndia* કહ્યું...

"CHARKHA" IS BEST FOR THOSE WHO WANTS TO DO SOME THING FOR NATION, AFTER ALL DEVELOPMENT IS BASIC FOR EVERY COUNTRY.
THANKS.
DIGRAJSINH
(JOURNALISM AND MASS COMM..
GUJARAT VIDYAPEETH)