ચરખાની પ્રવૃત્તિઓ

વિકાસલક્ષી આલેખન
ગુજરાતનાં જુદાંજુદાં વિકાસલક્ષી કાર્યો વિશે દર મહિને સરેરાશ 8થી 10 લેખો તૈયાર થાય છે અને તે ગુજરાતનાં મુખ્યપ્રવાહનાં 40 અખબારો/પત્રો (દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક વગેરે)માં પ્રકાશિત થાય છે. અંતરિયાળ વિસ્તારોમાં થઈ રહેલા હકારાત્મક વિકાસલક્ષી પ્રયાસોને મુખ્યપ્રવાહનાં અખબારોમાં વાચા મળે એ આ પ્રવૃત્તિનો હેતુ છે.

વિકાસ-ગોષ્ઠિ

પ્રાદેશિક વિકાસલક્ષી મુદ્દાઓ વિશે દર મહિને એક વાર પત્રકારો સાથે વિકાસ-ગોષ્ઠિ યોજાય છે. પત્રકારો, સામાજિક કાર્યકરો અને આમ નાગરિકો વચ્ચે વિકાસલક્ષી મુદ્દાઓ અને પ્રયાસો અંગે સંવાદ રચાય એ એનો હેતુ છે.

લેખન-કૌશલ્ય કાર્યશિબિર

ગુજરાતની અલગ-અલગ સંસ્થાઓના કાર્યકરો માટે લેખન-કૌશલ્ય કાર્યશિબિરો યોજાય છે. તેમાં સંસ્થાકીય અહેવાલો, વિકાસલક્ષી લેખ, પ્રેસનોટ વગેરે લખવાની આવડત વિકસાવવામાં આવે છે. હવે આવી શિબિરો ‘ચરખા-ગુજરાત’ દ્વારા મધ્ય પ્રદેશ અને બીજાં રાજ્યોમાં પણ યોજાઈ રહી છે. સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (એસઆઈઆરડી), ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની હરિયાળી યોજના, સ્ટેટ એઈડ્ઝ કંટ્રોલ સોસાયટી વગેરે જેવા સરકારી વિભાગોના પ્રતિનિધિઓ માટે પણ દસ્તાવેજીકરણ અને લેખન-કૌશલ્ય કાર્યશિબિરો યોજાઈ ગઈ છે.

લેખન-સ્પર્ધા

જુદાજુદા વિકાસલક્ષી મુદ્દાઓ વિશે સામાજિક કાર્યકરો માટે અવારનવાર લેખન-સ્પર્ધા યોજવામાં આવે છે. તેમાં પ્રથમ પાંચ વિજેતાઓને રોકડ પુરસ્કારો અને સ્મૃતિ-ચિહ્ન એનાયત થાય છે. ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નો અને પ્રયાસો વિશે સામાજિક કાર્યકરોને લખવાનું પ્રોત્સાહન મળે એ તેનો હેતુ છે.

પ્રાદેશિક સ્તરે સંવાદ કાર્યક્રમ

‘સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો વચ્ચે વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પ્રાદેશિક સ્તરે સંવાદ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં આવા કાર્યક્રમો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને પાટણમાં યોજાઈ ચૂક્યા છે.

પત્રકારત્વના વિદ્યાર્થીઓને ફેલોશિપ

ચાવીરૂપ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે પત્રકારો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓને ‘ચરખા-ફેલોશિપ ફોર ડેવલપમેન્ટ’ એનાયત થાય છે. વર્ષ 2004માં ‘સ્થળાંતર અને સ્થળાંતરિત કામદારો’, વર્ષ 2005માં ‘ડાંગ જિલ્લાની વિકાસકૂચ’ અને વર્ષ 2006માં ‘ગુજરાતમાં બાળકીઓના અધિકારોની સ્થિતિ’ વિશે વિદ્યાર્થીઓએ અભ્યાસ-અહેવાલો તૈયાર કર્યા છે.
ઇન્ટર્નશિપ
પત્રકારત્વના વિદ્યાર્થીઓમાં વિકાસ અને વિકાસલક્ષી પત્રકારત્વની સમજ કેળવાય એ હેતુથી દર વર્ષે ઇન્ટર્નશિપ યોજાય છે. અત્યાર સુધીમાં 19 વિદ્યાર્થીઓ ‘ચરખા’માં ઇન્ટર્ન તરીકે જોડાઈને વિકાસલક્ષી પત્રકારત્વની તાલીમ મેળવી ચૂક્યા છે. ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીઓના પત્રકારત્વ વિભાગોના વિદ્યાર્થીઓને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે તેમના વર્ગોમાં તથા વ્યક્તિગત રીતે માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.

કથાબીજ(સ્ટોરી આઈડિયા)

દર રોજ સરેરાશ ચારેક સમૂહમાધ્યમોના પ્રતિનિધિઓ ‘ચરખા’નો સંપર્ક કરીને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે કથાબીજ(સ્ટોરી આઈડિયા) મેળવે છે.

લેખન અને સંપાદનનો સહયોગ

કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતા મુખપત્રો કે સામયિકોને લેખન અને સંપાદનનો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

દસ્તાવેજીકરણ

જુદીજુદી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને વિવિધ વિકાસલક્ષી કાર્યોનું પુસ્તકો રૂપે દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે.

વાંચન-વર્તુ

યુવાનોમાં વાચનની ટેવ વિકસે એ હેતુથી દર મહિને એક વાર ‘વાચન-વર્તુળ’ યોજાય છે. તેમાં વાંચેલાં પુસ્તકો અંગે ગોષ્ઠિ રચાય છે.

વિવિધ વિષયોનો અભ્યાસ

જુદા જુદા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે સમૂહમાધ્યમોનો અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આવા અભ્યાસમાં પત્રકારત્વ અને સમૂહમાધ્યમોના વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે.


1 ટીપ્પણી:

DIGRAJSINH કહ્યું...

CHARKHA IS THE BEST FOR DEVELOPMENT OF NATION