તાલીમ માટેની ઉપયોગી માર્ગદર્શિકા

તાલીમ આપવી એ એક આવડત છે. એ આવડત મહાવરાથી સારી રીતે કેળવી શકાય છે.સાથે જરૂરી છે સતત વાચન,નવુંનવું જાણવાની ઇચ્છા.પણ ક્યારેક એવો વિચાર આવે કે તાલીમ વિશેની દરેક બાબત એકસાથે જાણવા-સમજવા મળી જાય તો કેવું સારું!
આ વિચારના જવાબમાં એક સરસ મઝાનું પુસ્તક હાજર છે. શ્રી સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત ’સંગઠન તાલીમ’ માર્ગદર્શિકામાં તાલીમ વિશે ખૂબ વિગતવાર અને ઉંડાણથી સમજ આપવામાં આવી છે.મયારડા, ઉન્નતિ તથા આગાખાન સંસ્થાઓના તાલીમ સાહિત્યનાં સુંદર સંકલન વડે તૈયાર થયેલી આ માર્ગદર્શિકા તાલીમ સાથે કાર્યરત સામાજિક કાર્યકરોને ઘણી જ ઉપયોગી બની રહેશે.
વિકાસનાં ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે તાલીમ આપવાની શરૂ કરી હોય અથવા આપતા હોય તેમને ઉપયોગી થવાનો આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ છે. આ પુસ્તકમાં તાલીમકારનો ખૂબ સરસ અર્થ આપ્યો છે. તાલીમકાર એટલે સહુથી વધારે શીખનાર. કેટલી અર્થપૂર્ણ વાત !!
મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચાયેલી આ માર્ગદર્શિકામાં ૨૪ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તાલીમકારની ભૂમિકાને ખૂબ ઊંડાણથી સમજાવવામાં આવી છે. સામાજિક માળખું અને વિકાસ, ગરીબી સંવેદના, જેન્ડર સંવેદના જેવા અગત્યના વિષયો સાથે સંગઠનને લગતા વિવિધ મુદ્દાઓ ઉપરાંત, તાલીમમાં ઉપયોગી વીડિયો ફિલ્મ્સ તથા સંદર્ભ પુસ્તકોની યાદી પણ છે. કેસસ્ટડીઝ, દરેક સત્રનો હેતુ,સમય,આવશ્યક સામગ્રી, પદ્ધતિઓ,ટૂંકસાર વગેરે બાબતો પણ સરસ રીતે આપેલી છે.
તાલીમ આપનાર દરેક કાર્યકર માટે આ માર્ગદર્શિકા સાચા અર્થમાં માર્ગ બતાવનારી રહેશે એમાં બેમત નથી.

પ્રકાશક :
ઓએસિસ એ સેલ્ફલેસ ઇન્ટરનેશનલ સોસાયટી,
’ફ્રેન્ડશીપ હોમ’, ૧૪,તપસ સોસાયટી, પહેલો માળ,
દિવાળીપુરા રોડ,વડોદરા. ૩૯૦ ૦૧૫

કિમત : રૂ. ૨૫૦.૦૦

વાંચો વધુ...

એક ચુકાદો-વ્યવસાયિક આરોગ્ય અને સલામતીક્ષેત્રે ઘણો મહત્ત્વપૂર્ણ

બેચરભાઈ સોમાભાઈ સોલંકી વડોદરાના ગોરવા વિસ્તારની હેમા કેમિકલમાં કામ કરતા હતા. તા. 9-12-1978થી સળંગ 23 વર્ષ સુધી તેમણે આ કારખાનામાં કામ કર્યું. 1998માં તેઓ બીમાર પડ્યા. ઇ.એસ.આઈ. હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી. તેઓ લીવરની બીમારીથી પીડાતા હતા. જલોદર પણ થયેલું. 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાત ભુકંપના આંચકાઓથી હચમચી ગયેલું તે જ દિવસે આ કુટુંબને પણ આંચકો લાગ્યો. શ્રી બેચરભાઈનું તે દિવસે અવસાન થયું.

તેમના અવસાન બાદ વ્યવસાયિક સ્વાસ્થ્ય સુરક્ષા મંડળના માર્ગદર્શન હેઠળ બેચરભાઈના વિધવા દીવાળીબહેન પોતાના પતિનું મૃત્યુ ક્રોમીયમના સંયોજનોના સંપર્કને કારણે થયેલી ઝેરી અસરને કારણે થયું હોવાથી વળતરની માગણી કરતો પત્ર લખ્યો અને લોકલ ઑફિસમાંથી વળતર માટે અરજી આપી. 13-2-2003ને રોજ તેમને જવાબ આપવામાં આવ્યો કે તેમના પતિનું મૃત્યુ ક્રોમીયમને કારણે નહીં પણ આલ્કોહોલીક સીરોસીસ ઑફ લીવરને કારણે થયું છે. હવે બેચરભાઈને દારૂનું વ્યસન ન હતું અને તે બાબતની નોંધ તેમના ઈ.એસ.આઈ.ના કેસ પેપરમાં વારંવાર લેવાઈ હતી. ક્રોમીયમને કારણે લાંબા સમયગાળે લીવરને નુકસાન થઈ શકતું હોવાનું ઘણા પુસ્તકોમાં જણાવાયું છે.

2003માં જ દિવાળીબહેને ઈ.એસ.આઈ. કૉર્ટમાં દાદ માગી. કૉર્ટે બંને તરફની દલીલો સાંભળી અને રજૂ થયેલા દસ્તાવેજો તથા સાક્ષીઓની જુબાની વગેરેને ધ્યાનમાં રાખીને 25-4-2009ના રોજ ચુકાદો જાહેર કરતાં જણાવ્યું કે ઇ.એસ.આઈ. કૉર્પોરેશન પાસે એવો કોઈ પુરાવો ન હતો કે કામદારનું મૃત્યુ આલ્કોહોલીક સીરોસીસ ઑફ લીવરને કારણે થયું છે તેથી ગુજરનાર કામદારનું મૃત્યુ વ્યવસાયજન્ય રોગને કારણે થયું હતું તે સ્પષ્ટ પુરવાર થાય છે. કામદાર જોખમી કેમીકલના ઉત્પાદનમાં કામ કરતા હતા અને છતાં ઈ.એસ.આઈ. કૉર્પોરેશન વિધવાને લાભથી વંચીત રાખ્યા છે અને તે માટે તેમણે દસ્તાવેજોનું ખોટું અર્થઘટન કર્યું છે.

વિદ્વાન ન્યાયાધીશ શ્રી પી. આર. દેસાઈ સાહેબે હુકમ ફરમાવતા જણાવ્યું છે કે ગુજરનાર બેચરભાઈ સોલંકીનું મૃત્યુ નોકરી દરમ્યાન નોકરીની ફરજો દરમ્યાન વ્યવસાયજન્ય રોગના કારણે થયું છે અને તેના આશ્રીતો કાયદાના તમામ લાભો મેળવવા કાયદેસર હકદાર છે. સદર ચુકાદામાં સામાવાળાઓને અરજદારને ખર્ચ પેટે રૂ. 3000 ચુકવવાનો પણ હુકમ કરેલ છે. સદર હુકમનું પાલન 60 દિવસમાં કરવાનું છે.

આ કેસમાં અરજદાર તરફથી વકીલ શ્રી પી. જી. માવલંકર ઉપસ્થિત રહ્યા હતા. કૉર્ટનો આ ચુકાદો વ્યવસાયિક આરોગ્ય અને સલામતીના ક્ષેત્રે મળેલી એક મહત્ત્વપૂર્ણ સફળતા છે. થઈ શકતું હોવાનું ઘણા પુસ્તકોમાં જણાવાયું છે. (જુદા જુદા સમાચારપત્રોમાંથી સંકલન)

વાંચો વધુ...

આગવો આદમી અનિલભાઇ

ઘણીવાર કોઇ વ્યક્તિની પ્રતિભા વિશે જાણવા મળે અને આપણને એને મળવાનું મન થઈ જાય. પણ, અફસોસ એ વાતનો હોય કે એ વ્યક્તિ હયાત ન હોય. સદેહે આપણી વચ્ચે ન હોય છતાં એ વ્યક્તિને મળી શકાય તેવું બની શકે? હા,શ્રી અનિલભાઇ શાહ માટે આ વાત સાચી છે.આપણે તેમને અક્ષરદેહે મળી શકીએ છીએ.અને તે પણ માત્ર એક પુસ્તક્નાં માધ્યમથી.

’પહેલ અને પુરૂષાર્થ’ - અનિલભાઈ શાહ અધ્યયન ગ્રંથ. શ્રી મનસુખભાઇ સલ્લા સંપાદિત આ પુસ્તકનું દરેક પાનું અનિલભાઇની બહુમુખી પ્રતિભા અને વ્યાપક વ્યક્તિત્વનો પરિચય આપણને કરાવે છે.અનિલભાઇ એટલે આમ તો ’ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર’ના સ્થાપક. પણ, તેની સાથે કેટલું બધું બીજું હતા તે પુસ્તકમાં આપેલી તેમની જીવનરેખા દ્વારા જાણવા મળે છે. તેમનાં સ્વજનો, મિત્રો, સહકાર્યકરો વગેરે અનેક લોકોએ તેમની સાથેના પોતાના અનુભવો આલેખ્યા છે. કોઈ વ્યક્તિ જિંદગીને આટલી બધી ઉપયોગમાં લઈ શકે તે બાબત જ આશ્ચર્ય પમાડે છે. કેમ કે આપણે તો ’ટાઈમ નથી’ની ફેશનવાળા. અનિલભાઇ પાસે પણ ચોવીસ કલાક જ હતા.ફરક માત્ર તેના ઉપયોગથી પડે છે.
સાચા અર્થમાં ગામલોકોના બની રહેલા અનિલભાઈની રોજનીશીનાં પાનાં સમજાવે છે કે ખરેખર સામાજિક કાર્યકર કોને કહેવાય,ફીલ્ડમાં જવું એટલે શું, લોકભાગીદારી કેવી રીતે લેવાય. સરકારી અધિકારી તરીકે પણ અનિલભાઇ ખૂબ જ નિષ્ઠાવાન.પોતાના સિધ્ધાંતોમાં ચુસ્ત.એટલા જ શિસ્તબધ્ધ તાલીમકાર.પ્રેમાળ સ્વજન, સમજુ પિતા.... એક જ વ્યક્તિનાં એવાં કેટલાંય પાસાંઓ અને તે તમામ વચ્ચે પાછી અદભૂત સમતુલા !
કામ કરતેકરતે શીખવી શકાય અને તે પણ સહજ રીતે, ભાર વિના. આ બાબત અહીં દરેક સ્મરણમાં જોવા મળે છે. આ પુસ્તક્ને શરૂ કરતાં પહેલાં તેની અનુક્રમણિકા જ અનિલભાઈ વિશે ઘણું કહી જાય છે. કેટલાક લેખનાં શીર્ષક જોઇએ તો : સ્વજન સદાય, પપ્પા મારા મિત્ર, અનન્ય મિત્ર, અજોડ સાથી, પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ, ગ્રામવિકાસના અનન્ય ઉપાસક,પાયાના કામના પાયાના પથ્થર, વણજંપ પ્રયોગવીર, લોકહિતના મોભી,સાહેબ અમારા ભાઇ,સિત્તેર વર્ષના યુવાન વ્યવસાયી, વહીવટમાં કરૂણામય હ્રદયના માનવી,વંચિતોના વિકાસના આજીવન ભેખધારી, જાતે જ એક સંસ્થા,’મારે જ ગરજ છે’નો મંત્ર આપનાર,મૂલ્યોના માણસ.... કેવો વૈવિધ્યસભર છે આ એક આગવો આદમી !
અનિલભાઈએ જીવનમાં કેટલીય ભૂમિકા સુપેરે નિભાવી છે,જે પરસ્પરથી સાવ અલગ જ હતી. તે દરેક ભૂમિકા નિભાવતાં થયેલા અનુભવોને બીજી ભૂમિકામાં સારી રીતે વણી લીધા છે તે તેમની ખાસિયત અને હંમેશાં શીખતા રહેવાની ઉત્સુકતા બતાવે છે.
આ પુસ્તક સામાજિક કાર્યકરોએ તો વાંચવું જ રહ્યું પણ જે પોતાની જિંદગીને ચાહે છે,કદર કરે છે તેવી દરેક વ્યક્તિએ આ પુસ્તક જરૂર વાંચવું જોઇએ.

પ્રકાશક :
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર,
મારુતિનંદન વિલા,વિભાગ - ૧,
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ, અમદાવાદ.
૩૮૦ ૦૫૮
કિંમત : ૩૦૦.૦૦ રૂ.

વાંચો વધુ...

અત્યાચારો વચ્ચે પણ પ્રેમની અનુભૂતિ.....

જે મનુષ્યની માલિકીની બધી વસ્તુઓ આંચકી લેવાઈ ગઈ હોય; જેનાં માતા-પિતા-પત્ની-ભાઈની ગેસ-ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય; જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય;જે ભૂખ અને ઠંડીમાં મજૂરી અને ક્રૂરતાભર્યા અત્યાચારો સહન કરતો હોય;દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગે ખરું?

આટલી વાત વાંચીને જ મોટાભાગના લોકો જવાબમાં ના જ પાડે.પણ આ વાત નોખી માટીના માનવીની છે. તેણે હા પાડી ! એટલું જ નહિ, જિંદગી સાચા અર્થમાં જીવી પણ બતાવી. ઉપરાંત, અન્ય લોકોને પણ જીવવા માટે બળ પૂરું પાડ્યું તે તો અલગ. અન્ય લોકો પોતાની જિંદગી માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે તે માટે પોતાના ભયંકર અનુભવોને તથા તેમાંથી કેવી રીતે પસાર થયા તેની વાત પુસ્તકરૂપે પ્રકાશિત પણ કરી.

શરૂઆતમાં વર્ણવેલી પરિસ્થિતિ ક્યાંની છે તે પ્રશ્ન સહેજે થાય. જેનું નામ સાંભળતાં જ રૂવાડાં ખડાં થઈ જાય એવી જગ્યાની આ વાત છે - કોન્સ્ટ્રેશન કેમ્પ! આ શબ્દ સાંભળતાં જ હિટલર અને તેના અત્યાચારો યાદ આવી જાય. અમાનુષી અત્યાચારોમાંથી પસાર થવા છતાં માનવતાવાદી અને હકારાત્મક વલણ જાળવી રાખનાર વિરલ વ્યક્તિત્વ એટલે ડો.વિક્ટર ફ્રેન્કલ. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવોને તેમણે ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’નામનાં પુસ્તકરૂપે લોકો સુધી પહોંચાડ્યા.જેને ’જવાબ માગે છે જિંદગી’ના નામે ગુજરાતી વાચકો સુધી પહોંચાડનાર છે શ્રી સંજીવ શાહ.

કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો તથા ફોટાઓ ધરાવતાં આ પુસ્તકને એકીબેઠકે પૂરું કરી શકાય તે શકય નથી.કેમકે ભીની થતી આંખો આપણને સળંગ વાંચતાં અટકાવે છે. યુરોપના નામાંકિત મનોચિકિત્સક ડો. ફ્રેન્કલે પોતાની જિંદગીના એકદમ ભયાનક સમયને કઈ રીતે પસાર કર્યો અને સાથેના કેદીઓને સધિયારો આપ્યો,કેમ્પમાં લોકો ઉપર થતા અત્યાચારો - આ બધું વર્ણન વાંચનારની આંખો જ નહિ,હ્રદય પણ ભીજવી નાખે છે.

સદનસીબે તેઓ આ કેમ્પમાંથી જીવતા બહાર આવી શક્યા. અને ’મેન્સ સર્ચ ફોર મીનિંગ.’ નામનાં પુસ્તકમાં તેમણે ’લોગોથેરાપી’ નામની નવી ચિકિત્સાપદ્ધતિની રજૂઆત કરી.આ પુસ્તક્ને તેમણે ત્રણ ભાગમાં વહેંચ્યું છે:
૧. કોન્સ્ટ્રેશન કેમ્પના અનુભવો
૨. લોગોથેરાપીનો ટૂંકો પરિચય.
૩.કરુણતામાં પણ આશાવાદનું મહત્વ.

’જવાબ માગે છે જિંદગી’માં મુખ્યત્વે પહેલા ભાગનો જ આધાર લેવામાં આવ્યો છે. જીવન વિશેના અભિગમોને ખૂબ સરસ અને સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.માનવતા,જીવન પ્રત્યે આશાવાદી અભિગમ, મુશ્કેલીઓમાંથી ઉપાયના વિકલ્પો શોધવા,ગુનેગારને ક્ષમા આપવાનું ઉદારતાવાદી વલણ- જીવનના દરેક પગલે જરૂર પડે તેવા વિચાર અને વર્તનની વાત અહીં કરી છે.સહુથી આગવો વિચાર આ પુસ્તક આપે છે કે જીવન કેવી રીતે જીવવું તેની પસંદગી ખુદ વ્યક્તિના હાથમાં જ છે.પ્રેમ, ધિક્કાર, એકલતા, સભરતા, હકારાત્મકતા, નકારાત્મકતા, આશા, નિરાશા - આ બધી પરિસ્થિતિઓ આપણી સામે છે. તેમાંથી શું પસંદ કરવું તે નિર્ણય આપણો છે. તે નિર્ણય મુજબ જ આપણું જીવન ઘડાય છે.

અત્યારે ધર્મ,કોમ,વિસ્તાર એમ જાતજાતના વાડામાં માનવ પોતે માનવ છે તે સાવ ભૂલી ગયો છે.તેની સામે વાસ્તવિકતા મૂકતી એક રચના વિચારતા કરી મૂકે તેવી છે:

જ્યારે નાઝીઓ સામ્યવાદીઓને પકડી ગયા,
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું સામ્યવાદી નહોતો.

જ્યારે નાઝીઓએ ડેમોક્રેટ્સને કેદ કર્યા
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું ડેમોક્રેટ નહોતો.

જ્યારે નાઝીઓએ વ્યાપારી સંઘોના સભ્યોની ધરપકડ કરી,
ત્યારે હું ચૂપ રહ્યો-કારણ કે હું આ સંઘોનો સભ્ય નહોતો.

જ્યારે નાઝીઓએ યહૂદીઓને કેદ કર્યા
ત્યારે પણ હું ચૂપ રહ્યો-કારણ કે હું યહૂદી નહોતો.

પછી જ્યારે નાઝીઓ મને પકડવા આવ્યા,
ત્યારે હું કશું કરી ના શક્યો -
કારણ કે મારો બચાવ કરનારું કોઇ બચ્યું નહોતું.

આ રચનાને ભારતના સંદર્ભમાં ધર્મો,જાતિઓ,જાતિઓના પેટાપ્રકારો વગેરેનાં નામ ગોઠવીને વાંચીએ ત્યારે એ ભયાનક વાસ્તવિકતા છતી થાય છે કે આપણને બચાવનારું પણ કોઇ બચ્યું નહી હોય. કેમ કે આપણે પણ ચૂપ રહેનારાઓમાંના જ છીએ.

’જવાબ માગે છે જિંદગી’
-સંજીવ શાહ.
પ્રકાશક : ઓએસિસ સેલ્ફ લીડરશીપ એજ્યુકેશન ફોર કોમ્યુનીટી ડેવલપમેન્ટ,
વડોદરા.
કિમત : રૂ. ૧૬૪/-

વાંચો વધુ...